ધોરણ ૧ થી અંગ્રેજી વિષયનું શિક્ષણ શરૂ કરવા તેમજ ધોરણ - ૬ થી ક્રમશ : ગણિત – વિજ્ઞાનના દ્વિભાષી પાઠ્યપુસ્તકોનું અમલીકરણ

શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી શાળાઓમાં ધોરણ ૧ થી અંગ્રેજી વિષયનું શિક્ષણ શરૂ કરવા તેમજ ધોરણ - ૬ થી ક્રમશ : ગણિત – વિજ્ઞાનના દ્વિભાષી પાઠ્યપુસ્તકોનું અમલીકરણ કરવા બાબત

To start teaching English subject from Std. 1 in schools and also to implement bilingual textbooks of Mathematics and Science from Std. 6 - Gujarat

દ્વિભાષી પાઠ્ય પુસ્તક અમલીકરણ કરવા બાબત


પ્રસ્તાવના : 
સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ( NEP ) ૨૦૨૦ નો અમલ શરૂ કરવામાં આવ્યો છે . ગુજરાત રાજ્યમાં પણ સદર નીતિના અમલીકરણ સંદર્ભે શિક્ષણ પ્રણાલીમાં જરૂરી સુધારા કરવા માટેની શરૂઆત કરવામાં આવી છે . આ અનુસંધાને , રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જણાવ્યામુજબ શિક્ષણ પ્રણાલીમાં શીખવા - શીખવવાની પ્રક્રિયામાં માતૃભાષાની સાથે સાથે બહુભાષિતાને પ્રોત્સાહન આપવાનું સૂચવાયેલ છે . 

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ ના મુદ્દા નંબર ૪.૧૨ અનુસાર " સંશોધન સ્પષ્ટપણે દર્શાવે છે કે બાળકો ૨ થી ૮ વર્ષની ઉંમર વચ્ચે અત્યંત ઝડપથી ભાષાઓ શીખી લે છે અને બહુભાષિતાથી આ ઉંમરના વિદ્યાર્થીઓને ઘણા બધા જ્ઞાનાત્મક લાભો થાય છે . પ્રારંભિક તબક્કાથી જ તમામ ભાષાઓને આનંદદાયક રીતે આંતરક્રિયાત્મક શૈલીમાં તથા 1 પારસ્પરિક વાતચીત દ્વારા ભણાવવામાં આવે . ધોરણ - ૩ અને પછીના ધોરણોમાં અન્ય ભાષામાં વાંચવા અને લખવા માટેનાં કૌશલ્યો વિકસિત કરવામાં આવે . વિવિધ ભાષાઓને શીખવવા માટે તથા ભાષાશિક્ષણને લોકપ્રિય બનાવવા માટે ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે . " 

આ ઉપરાંત , સદર દસ્તાવેજમાં મુદ્દા ૪,૧૪ માં દર્શાવવામાં આવ્યુ છે કે “ વિજ્ઞાન અને ગણિત માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત દ્વિભાષી પાઠ્યપુસ્તકો અને અધ્યયન - અધ્યાપન સામગ્રી તૈયાર કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે , જેથી વિદ્યાર્થીઓ બંને વિષયો વિશે વિચારવા અને બોલવા માટે તેમની માતૃભાષા અને અંગ્રેજી બંનેમાં સક્ષમ બની શકે . " 

સાંપ્રત સમયમાં અંગ્રેજી વિષયની ઉપયોગિતા વધી રહી છે ત્યારે સમાજ અને વાલીઓ પણ ઈચ્છે છે કે બાળકો અંગ્રેજી વિષયમાં પારંગત બને . પરિણામે , અંગ્રેજી માધ્યમની શાળાઓમાં નામાંકન પણ વધ્યું છે . અંગ્રેજી વિષય સારી રીતે શીખવા માટે અંગ્રેજી માધ્યમની નહિ , કોઈપણ માધ્યમમાં સારા અંગ્રેજી શિક્ષણની જરૂરિયાત હોય છે . યોગ્ય રીતે અધ્યયન અનુભવો પૂરા પાડવામાં આવે તો ગુજરાતી માધ્યમમાં પણ ઉત્તમ અંગ્રેજી શિક્ષણ મેળવી શકાય છે.

ઠરાવ : ઉપરોક્ત બાબતે થયેલ પુખ્ત વિચારણાના અંતે , રાજ્યની અંગ્રેજી માધ્યમ સિવાયનાં માધ્યમની શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ થી ધોરણ - ૧ થી અંગ્રેજી વિષયનું શિક્ષણ શરૂ કરવા તથા ધોરણ - ૬ થી ક્રમશ : દ્વિભાષી પાઠ્યપુસ્તકોનો અમલ કરવા બાબતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે : 

૧. ધોરણ - ૧ અને ૨ માં શ્રવણ અને કથન કૌશલ્યને લગતી વિવિધ પ્રવૃત્તિઓ ઉપર આધારિત પરિચયાત્મક અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે.

૨. ધોરણ - ૩ થી ૫ અંગ્રેજી ( દ્વિતીય ભાષા ) માં શ્રવણ - કથન - વાચન અને લેખન કૌશલ્ય વિકસે તે રીતે શિક્ષણ આપવામાં આવશે.

૩. ધોરણ - ૩ થી ૫ માં ગણિત અને પર્યાવરણ વિષયના પાઠ્યપુસ્તકોમાં મહત્વના શબ્દો માટેની અંગ્રેજી પરિભાષા ( Terminology ) નો સમાવેશ કરવામાં આવશે.

૪. ધોરણ - ૬ થી ૮ માં ગણિત અને વિજ્ઞાન વિષયનાં દ્વિભાષી પાઠ્યપુસ્તકોનો અમલ કરવામાં આવશે . ગણિત અને વિજ્ઞાન સિવાયના તમામ વિષયોનાં પાઠ્યપુસ્તકો જે તે માધ્યમની ભાષાઓમાં યથાવત રહેશે.

૫. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં ધોરણ ૬ , વર્ષ ૨૦૨૩-૨૪ માં ધોરણ ૭ તેમજ વર્ષ ૨૦૨૪-૨૫ માં ધોરણ ૮ માં ગણિત અને વિજ્ઞાન વિષયનાં દ્વિભાષી પાઠ્યપુસ્તકો અમલી બનશે.

૬. શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ થી ધોરણ ૯ થી ૧૨ માં ગણિત - વિજ્ઞાનનાં પાઠ્યપુસ્તકો ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં ઉપલબ્ધ કરવામાં આવશે . વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષય માટે બંને પૈકી કોઈ એક માધ્યમ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.

૭. સ્કૂલ્સ ઓફ એક્સલન્સ ( SoE ) અંતર્ગત પસંદ થનાર ૧૫,૦૦૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં દ્વિભાષી પાઠ્યપુસ્તકો અને દ્વિભાષી અધ્યયન- અધ્યાપન સામગ્રીનો ફરજીયાત અમલ કરવામાં આવશે . જ્યારે , અન્ય સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઇ સ્વૈચ્છિક ધોરણે અમલ કરવામાં આવશે.

૮. અંગ્રેજી માધ્યમ સિવાયની સ્વનિર્ભર શાળાઓ સ્વૈચ્છિક ધોરણે દ્વિભાષી પાઠ્યપુસ્તકો અને દ્વિભાષી અધ્યયન - અધ્યાપન સામગ્રીનો ઉપયોગ કરી શકશે . જેની નોંધણી જિલ્લા કક્ષાએ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી અથવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં થશે.

૯. સ્કૂલ્સ ઓફ એક્સલન્સમાં પસંદ થયેલ તમામ સરકારી પ્રાથમિક શાળાઓ , તેમજ સ્વૈચ્છિક રીતે જોડાયેલ સરકારી , અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ - ૬ માં દાખલ થનારા વિદ્યાર્થીઓ દ્વિભાષી પાઠ્યપુસ્તકોનો અસરકારક ઉપયોગ કરી શકે તે માટે અંગ્રેજી ભાષા સજ્જતા અને ગણિત - વિજ્ઞાનના અંગ્રેજી પારિભાષિક શબ્દો ( Terminology ) ની સમજૂતી આપતો એક માસનો બ્રીજ કોર્સ ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જે તે શાળા કક્ષાએ યોજવાનો રહેશે.

૧૦. ધોરણ ૧-૨ ના પરિચયાત્મક અંગ્રેજી શિક્ષણ તેમજ ધોરણ ૩ થી ૫ નાં અંગ્રેજી વિષયનાં નવાં પાઠ્યપુસ્તકો તથા ધોરણ ૬ થી ૧૨ નાં ગણિત- વિજ્ઞાનનાં દ્વિભાષી પાઠ્યપુસ્તકો અન્વયે તમામ સરકારી અને અનુદાનિત શાળાઓનાં શિક્ષકો માટે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ( GCERT ) દ્વારા શિક્ષક - તાલીમ યોજવામાં આવશે , સ્વનિર્ભર શાળાઓના શિક્ષકો માટે જરૂરિયાત મુજબ તાલીમ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

૧૧. ધોરણ ૬ માં દાખલ થનાર બાળકો માટેના બ્રીજ કોર્સની સામગ્રી GCERT દ્વારા તૈયાર કરવામાં આવશે તેમજ સમગ્ર શિક્ષા ( SSA ) દ્વારા શાળાઓ સુધી પહોંચાડવામાં આવશે.

૧૨. ઉપરોક્ત બાબતોનો સમયસર અમલ થાય એ રીતે ધોરણ ૧-૨ પરિચયાત્મક અંગ્રેજીની શિક્ષક આવૃત્તિઓ , ધોરણ ૩ થી ૫ નાં અંગ્રેજી પાઠ્યપુસ્તકો તથા ધોરણ ૬ થી ૮ નાં દ્વિભાષી પાઠ્યપુસ્તકો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરવામાં આવશે.


ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે
Previous Post Next Post