આ 11 પુસ્તકો શિક્ષકોએ એક વાર જરૂર વાંચવા જોઈએ

11-books-for-teachers-to-read

📚 શિક્ષકોને વાંચવા યોગ્ય 11 પુસ્તકો યાદી

  • સંકલન- મહેશ મહેતા
  • નાયબ શિક્ષણ નિયામક શ્રી,COS, ગાંધીનગર
દરેક વ્યક્તિ માટે વાંચન જ્ઞાનવૃદ્ધિ માટે તેમજ આંતરિક સમૃદ્ધિ માટે ઉપકારક હોય છે , અને એમાંય ખાસ કરીને KG થી શરૂ કરી PG ( પોસ્ટ ગ્રેજ્યુએટ ) કક્ષાએ શીખવતા તમામ સારસ્વત ભાઈ - બહેનો માટે શિક્ષણ , કેળવણી , પેડાગોજી , સ્વવિકાસ તથા શિક્ષણક્ષેત્રે થઈ રહેલા નાવીન્યતાસભર પ્રયાસોની જાણકારી વિશેના જ્ઞાન માટે સતત વાંચતા રહેવું અપેક્ષિત હોય છે.

સોશીયલ મીડિયાનો વધી રહેલ પ્રભાવ ક્યાંક પુસ્તકોના વાંચનમાં બાધક નીવડેલ છે . અમારા ૩૦ થી વધુ વર્ષના ક્ષેત્રીય કામગીરીના દીર્ઘ અનુભવ અને સતત સંપર્કના કારણે ધ્યાને આવેલ છે કે મોટાભાગના શિક્ષકે ભાઈ - બહેનો વાંચનમાં રસ ધરાવતા નથી. જેથી લાંબા વિચાર બાદ લાગ્યું કે વાંચવા યોગ્ય પુસ્તકો તો અસંખ્ય છે , પણ શિક્ષકોને વાંચવા યોગ્ય એવા ૧૧ ( અગિયાર ) પુસ્તકોની યાદી રજૂ કરીએ કે જેનું વાંચન તેઓ માટે સમગ્ર શિક્ષણને સમજવા તેમજ વ્યક્તિગત ગુણોને ખીલવવા તેમજ વિદ્યાર્થીઓ , વાલીઓ સાથેના દૈનિક વ્યવહારમાં ખૂબ ઉપયોગી નીવડે. 

આ માટે અમોએ ગુજરાતના પ્રસિદ્ધ લેખકો , વિચારકો , ચિંતકો , કેળવણીકારો , શિક્ષણ ક્ષેત્રે કાર્યરત અધિકારીઓ , કલાના ઉપાસકો વિગેરે સાથે લાંબા સંવાદ કરી , અમારા આ પ્રયાસ માટેનો હેતુ સમજાવી તેઓને શિખવતા મિત્રો માટે એક પુસ્તક સૂચવવા જણાવેલ , તે મુજબ જે પુસ્તકોના નામ અમોને પ્રાપ્ત થયા તેની વિગત આ સાથે પુસ્તક સૂચવનારના અભિપ્રાય સહિત અમો રજૂ કરીએ છીએ . ગુજરાતના શિક્ષણક્ષેત્રે મથી રહેલા તમામ મિત્રો ધ્યાનપૂર્વક જોશે અને પ્રયાસ કરી તે પુસ્તકો મેળવી વાંચશે તો અવશ્ય તેઓ માટે અને વિદ્યાર્થીઓ માટે ઉપકારક રહેશે . એવું થશે તો અમારો આ નમ્ર પ્રયાસ લેખે લાગશે .

વધુમાં યાદીમાં જણાવેલ પુસ્તક સૂચવનાર તમામનો તેઓએ કરેલી મથામણ માટે હું આભાર વ્યક્ત કરુ છું , તેઓની આ મથામણ હિતકારી નીવડશે તેની અમોને શ્રદ્ધા છે .

શિક્ષકોને વાંચવા યોગ્ય 11 પુસ્તકો

1. એવા રે અમે એવા ... ( આત્મકથા )
લેખક સ્વ. શ્રી વિનોદ ભટ્ટ ( પ્રસિદ્ધ હાસ્ય અને વ્યંગ્ય લેખક )
પ્રકાશક ગુર્જર પ્રકાશન
ટૂંકમાં સાર આવી નિખાલસ આત્મકથા જડવી મુશ્કેલ છે. આત્મકથામાં વિનોદ ભટ્ટ ક્યાંય પણ કોઈ જાતની ગાંઠો, ગળફો રાખ્યા વગર લખ્યું છે. એક પણ પાનું શુષ્ક નથી, રસપૂર્ણ છે.

2. દુખિયારાં (૧૫૦ વર્ષ જૂની ફ્રેન્ચ ક્લાસિક “ લા મિઝરાબ ” Les Miserables ) નો અનુવાદ
લેખક મૂળ લેખક શ્રી વિક્ટર હયુગો, અનુવાદ : મૂળશંકર મો.ભટ્ટ
પ્રકાશક ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
ટૂંકમાં સાર અત્યાર સુધીના વાંચે લા તમામ પુસ્તકોમાં સર્વાધિક પ્રિય. મૂળ કથાથીય રસાળ એવો મૂળશંકરભાઈનો અનુવાદ, દોઢ સદીમાં માણસાઈની મૂળ મથામણમાં અંતરનું અજવાળું કરીને સંબંધ અને સદાચારની કર્તવ્યમય કેળવણી આપતું વેદના સામે હાલનો સંઘર્ષ શીખવતું સદાબહાર વિશ્વશ્રેષ્ઠ પુસ્તક

3. શિક્ષણના સિતારા
લેખક શ્રી ઈશ્વર પરમાર
પ્રકાશક પ્રવીણ પ્રકાશન, રાજકોટ
ટૂંકમાં સાર આ પુસ્તક માં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોના કામની વિગતો આપેલ છે . આ વાંચી શિક્ષકોને પ્રેરણા મળશે . સાઈઠથી વધારે શિક્ષકોની વાતો છે . તે લોકપ્રિય પુસ્તક છે.

4. આપઘાતની ઘાટ ટાળીએ
લેખક શ્રી મૌલિક ત્રિવેદી
પ્રકાશક પ્રવીણ પ્રકાશન, રાજકોટ
ટૂંકમાં સાર આ પુસ્તકમાં ગુજરાતના ૨૭ જેટલા મહાન સર્જકો એ વિદ્યાર્થીઓના આપઘાત રોકવા બાબતે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે પુસ્તકનો હિન્દી અને અંગ્રેજી ભાષામાં અનુવાદ થયેલ છે , અંગ્રેજી અનુવાદનું વિમોચન વિદેશમાં થયેલ છે.

5. શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ
લેખક શ્રી મૂળશંકરભાઈ મો. ભટ્ટ
પ્રકાશક ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
ટૂંકમાં સાર આ પુસ્તકમાં કેળવણીનો વિચાર અને વ્યવહાર ઉત્તમોત્તમ રીતે પ્રગટ થયા છે . એમ પણ કહી શકાય લેખકના અનુભવ અને ચિંતન ઉત્તમ રીતે ઉતર્યા છે.

6. શિક્ષણ દર્શન
લેખક શ્રી ભાણદેવ
પ્રકાશક પ્રવીણ પ્રકાશન, રાજકોટ
ટૂંકમાં સાર આ પુસ્તકમાં વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા આધ્યાત્મનું મહત્વ , શિક્ષણ સંસ્થા પ્રારંભ અને સ્વરૂપવિશે પાયાની વાતોની સમજ આ પુસ્તકમાં છે . કુલ મળીને શિક્ષણ અને શિક્ષક માટે શ્રી ભાણદેવ દ્વારા રજૂ થયેલ એમનું ભારતીય ચિંતન સૌ માટે પ્રેરણાદાયી છે.

7. અંગદનો પગ
લેખક શ્રી હરેશ ધોળકિયા
પ્રકાશક ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
ટૂંકમાં સાર પ્રતિભાશાળીઓ રામાયણના અંગદના પગ જેવા છે - અચળ અને સ્થિર . તેઓને સામાન્ય કદી ખેસવી ન શકે . આ નવલકથા વાંચીએ ત્યારે પોતાની આસપાસ બની રહેલી ઘટનાઓ જોતાં કે વાંચતા હોઈએ એવું સીધીસાદી તેની કથનશૈલી છે . સૌને તે પોતાની લાગે એ જ કદાચ તેની લોકપ્રિયતાનું રહસ્ય છે.

8. શિક્ષણ વિચાર
લેખક વિનોબા ભાવે
પ્રકાશક યજ્ઞ પ્રકાશન
ટૂંકમાં સાર શિક્ષણની વિભાવના , શિક્ષણનું સાધ્ય , શિક્ષણ પ્રક્રિયા અને શિક્ષક તેમજ વિદ્યાર્થીની ભૂમિકા આ ચાર ભાગમાં પુસ્તક વર્ગીકૃત છે શિખવાની સમગ્ર પ્રક્રિયાને સ્પર્શતાં મુખ્ય તમામ પાસાં પર વિનોબાજીએ પોતે કશુંક મૌલિક ચિંતન કર્યું છે . સમગ્ર વ્યક્તિત્વના સર્વાગી વિકાસ માટેનું શિક્ષણ કેવું હોય એ અંગે આપુસ્તક આપના માટે પથપ્રદર્શક બની રહેશે.

9. માણસાઈની થાપણ
લેખક સુધા મૂર્તિ
પ્રકાશક આર.આર.શેઠ પ્રકાશન
ટૂંકમાં સાર બધા સામાન્ય માણસ હકીકતમાં સામાન્ય નથી હોતા , કેટલાય પોતાની સાથે માણસાઈની થાપણ લઈને જીવે છે ! ઈશ્વરે એ થાપણ સૌને આપીને મોકલ્યા છે , પરંતુ જે એ દિવ્ય - ભેટને પારખીને જીવ્યા તેવા અસામાન્ય માણસોના જીવનની નાની - નાની ઘટનાઓ સુધા મૂર્તિની રસાળ કલમે અહીં આલેખાયેલ છે.

10. મુઠ્ઠી ઊંચેરા 100 માનવરત્નો
લેખક શ્રી ભદ્રાયુ વચ્છરાજાની
પ્રકાશક આર.આર.શેઠ પ્રકાશન અને ગુર્જર પ્રકાશન સંયુક્ત
ટૂંકમાં સાર આ પુસ્તકમાં ગુજરાતના શિક્ષણક્ષેત્રના અને સમાજના અગ્રિમ સો માનવરત્નોની સંઘર્ષ અને પરિક્ષમમય જીંદગીની હૃદયસ્પર્શી કહાની છે તે પૈકી ૪૦ કરતાં વધુ શિક્ષણક્ષેત્રે અદ્દભૂત પ્રદાન કર્યું એવા ઋષિતુલ્ય વ્યક્તિઓની વાત ખૂબ સારી રીતે રજૂ થયેલ છે , શિક્ષકોને આગ્રહપૂર્વક વાંચવા વિનંતી કરૂ છું.

11. "જાહેર શિસ્ત" વિચારથી અમલ સુધી
લેખક ડૉ. રાજીવ કુમાર ગુપ્તા
પ્રકાશક નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ
ટૂંકમાં સાર આજ કાલ જાહેરમાં જોવા મળતી અશિસ્ત અને બેજવાબદારી વિશે આ પુસ્તકમાં અસરકારક ટકોર કરી છે. કહેવાતા ભણેલા માણસોમાં પણ જોવા મળતી આ ખામીઓ પ્રત્યે દેખાતો આપીને સચોટ રજૂઆત કરેલ છે. માનવીય મૂલ્યોની સાથે ભારતીય સંસ્કૃતિના ગૌરવને બહાર લાવવાનો લેખકનો સફળ પ્રયાસ છે.

Previous Post Next Post