સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) બાબત માર્ગદર્શન @ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સિદસર - ભાવનગર
*સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સંદર્ભે તાલીમમાં વારંવાર કેટલાંક પ્રશ્નો પુછવામાં આવતાં હોય છે તે બાબતે અહીં કેટલીક સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.*
*પ્રશ્ન* : નવી અધ્યયન નિષ્પત્તિઓ જીસીઈઆરટી દ્વારા આપવામાં આવી છે તે કઇ રીતે ઉપયોગમાં લેવી ?
*જવાબ* : નવા પાઠ્યપુસ્તક સાથે તેમની અધ્યયન નિષ્પત્તિઓ પણ જીસીઈઆરટી દ્વારા તેમની વેબસાઈટ www.gcert.gujarat.gov.in પર મુકવામાં આવી છે . યાદ રાખીએ કે આ અધ્યયન નિષ્પત્તિઓ આદર્શ રીતે આપેલાં વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે . આ અધ્યયન નિષ્પત્તિઓમાં મુખ્ય નિષ્પત્તિ અને જરૂર મુજબ તેની પેટા અધ્યયન નિષ્પત્તિઓની યાદી આપવામાં આવી છે . સાથે જ જે - તે અધ્યયન નિષ્પત્તિનાં અધ્યયન - અધ્યાપન માટેની પ્રવૃત્તિ પણ આપવામાં આવી છે . જ્યારે પણ આપણે વિદ્યાર્થીને અધ્યયન - અધ્યાપનનાં અનુભવ પુરા પાડીએ તેમાં આ પ્રવૃત્તિઓ કરાવવાની છે .
*પ્રશ્ન* : પત્રક - A માટે અધ્યયન નિષ્પત્તિઓ કેવી રીતે પસંદ કરવી અને ક્યારે કરવી ?
*જવાબ* : પત્રક - A જેને આપણે રચનાત્મક મૂલ્યાંકન તરીકે ઓળખીએ છીએ . આ *અનૌપચારિક* મૂલ્યાંકન સ્વરૂપનાં માળખામાં સમાવિષ્ટ છે . જ્યારે અધ્યયન - અધ્યાપનની પ્રક્રિયા ચાલતી હોય તે દરમિયાન *અનૌપચારિક* રીતે *જ* જે અધ્યયન નિષ્પત્તિઓ ચકાસી શકાય તેમ હોય તેવી અધ્યયન નિષ્પત્તિઓને રચનાત્મક મૂલ્યાંકન માટે પસંદ કરી શકાય . આ અધ્યયન નિષ્પત્તિઓની પસંદગી અને મૂલ્યાંકન શિક્ષકની વિશિષ્ટ આવડત માંગી લે તેવું કામ છે . આ માટેની અધ્યયન નિષ્પત્તિઓ શિક્ષકે અગાઉથી જ સત્રારંભે નક્કી કરી લેવી જોઇએ જેથી જે - તે અધ્યયન નિષ્પત્તિનાં અધ્યાપન કાર્ય વખતે મૂલ્યાંકનનું આગોતરૂં આયોજન થઈ શકે અને સાતત્યતાપૂર્ણ મૂલ્યાંકન થઇ શકે .
*પ્રશ્ન* : જીસીઈઆરટી દ્વારા આપવામાં આવેલી અધ્યયન નિષ્પત્તિની યાદીમાં ૨૦ કરતાં વધારે અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવી છે તો અધ્યયન નિષ્પત્તિઓ કેમ લેવી ?
*જવાબ* : જીસીઈઆરટી દ્વારા જે અધ્યયન નિષ્પત્તિઓની યાદી આપવામાં આવી છે તે અધ્યયન - અધ્યાપન માટેની યાદી છે . જ્યારે આપણે મહત્તમ ૨૦ અધ્યયન નિષ્પત્તિ લેવાની વાત કરીએ છીએ ત્યારે ધ્યાન રાખીએ કે આપણે અનૌપચારિક મૂલ્યાંકન પત્રક- A ની વાત કરીએ છીએ . અનૌપચારિક રીતે મૂલ્યાંકન થઈ શકે તેવી મહત્તમ ૨૦ પ્રતિનિધિરૂપ ક્ષમતા જ પત્રક -A માટે લેવાની છે .
*પ્રશ્ન* : એકમ કસોટીમાં આપવામાં આવેલી અધ્યયન નિષ્પત્તિઓનાં આધારે રચનાત્મક મૂલ્યાંકન પત્રક - A માં મૂલ્યાંકન નોંધ કરી શકાય ?
*જવાબ* એકમ કસોટી નિશ્ચિત માળખામાં લેવામાં આવે છે . અને તે લેખિત પ્રકારની એટલે ઔપચારિક પ્રકારની કસોટી છે જ્યારે રચનાત્મક પત્રકમાં અનૌપચારિક મૂલ્યાંકનની વાત છે . એકમ કસોટી જે - તે એકમ અથવા એકમોનાં અંતે લેવામાં આવે છે જ્યારે રચનાત્મક મૂલ્યાંકન પત્રક - A સતત થતાં મૂલ્યાંકનનો ભાગ છે જે અધ્યયન - અધ્યાપન પ્રક્રિયા દરમિયાન થાય છે .
*પ્રશ્ન* - રચનાત્મક મૂલ્યાંકન પત્રક - A માટે જો મૌખિક પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તો તેનો આધાર કેવી રીતે રાખવો ?
અથવા પત્રક- A ના મૂલ્યાંકનનાં આધાર કેવી રીતે રાખવાં ?
*જવાબ* અગાઉ એક પ્રશ્નના જવાબમાં વાત થઇ . રચનાત્મક મૂલ્યાંકનમાં એવી અધ્યયન નિષ્પત્તિઓની પસંદગી કરવામાં આવે છે જેનું મૂલ્યાંકન અનૌપચારિક રીતે કરવામાં આવતું હોય . આ પ્રકારનાં મૂલ્યાંકન માટે શિક્ષકે આગોતરૂં આયોજન કરવું પડે તે પણ આપણે જાણ્યું . હવે વાત કરીએ આધારોની તો તમે જે - તે અધ્યયન નિષ્પત્તિ પત્રક - A માટે લીધી હોય તે માટે મૂલ્યાંકન પદ્ધતિનું આગોતરૂં આયોજન તો કર્યું જ હોય છે . આ આયોજન પણ તમારો આધાર બની શકે .
દૈનિકબુકમાં પણ મૂલ્યાંકન નોંધમાં તમે તે નોંધ્યું હશે . તમે રચનાત્મક મૂલ્યાંકન માટે કોઇ અનૌપચારિક ક્રિયાત્મક કસોટી નક્કી કરી હોય તો તેમાં વિદ્યાર્થીએ કરેલાં કામને આધાર તરીકે રાખી શકાય , મૌખિક પ્રશ્નોત્તરી અથવા ક્યારેક સામુહિક અનૌપચારિક મૂલ્યાંકન વખતે આધાર ન હોય તો ચાલી શકે પણ મૂલ્યાંકન સાતત્યતાપૂર્ણ કરવામાં આવ્યું હોય તે જરૂરી છે . ઉદાહરણ તરીકે કોઇ એક અધ્યયન નિષ્પત્તિ માટે શિક્ષકશ્રી દ્વારા મૌખિક પ્રશ્નોત્તરી કરવામાં આવી હોય અને તેનાં આધારે રચનાત્મક પત્રક - A માં સિદ્ધિની નોંધ કરવામાં આવી હોય . હવે ફરીવાર જ્યારે અનૌપચારિક મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે અપવાદ અને સહજ અમુક વિદ્યાર્થી બાદ કરતાં બાકીનાં વિદ્યાર્થીઓ જવાબ આપી શકે તે આવશ્યક છે .
Guidance on Continuous and Comprehensive Assessment (SCE) @ District Education and Training Bhavan, Sidsar - Bhavnagar