બુથ લેવલ અધિકારીઓ ( BLOs )ની નિમણૂક અંગેની વ્યાપક ( comprehensive ) સૂચનાઓનો પરિપત્ર. તા-04/10/2022

વિષય : બુથ લેવલ અધિકારીઓ ( BLOs ) અંગેની વ્યાપક ( comprehensive ) સૂચનાઓ


ઉપરોકત વિષય અંગેના ભારતના ચૂંટણી પંચના તા .૦૪ / ૧૦ / ૨૦૨૨ ના પત્ર ક્રમાંક : 23 / BLO / 2022 - ERS ની નકલ આ સાથે સામેલ રાખી જણાવવાનું કે, શરૂઆતથી જ બુથ લેવલ અધિકારીઓ ( BLOs ) ની ભૂમિકા મતદારયાદી તૈયાર કરવા અને તેની સુધારણા માટે અગત્યની હોવાથી ચૂંટણી પંચે BLOs ની વ્યવસ્થાને મજબૂત બનાવવાનું નકકી કરેલ છે. આ ઉદ્દેશથી ચૂંટણી પંચે રાજસ્થાનના મુખ્ય નિર્વાચન અધિકારીની કો - ઓર્ડિનેટર તરીકે નીમી સાથે કેટલાંક મુખ્ય નિર્વાચન અધિકારીઓની એક સમિતિની રચના કરેલ હતી. આ સમિતિએ પ્રવર્તમાન પરિસ્થિતિઓના સંદર્ભમાં વિગતવાર રીતે તમામ સંબંધિત પાસાઓ ધ્યાને લઇ BLOS ની વ્યવસ્થાને સુવ્યવસ્થિત અને મજબૂત કરવા માટેનાં બહુવિધ સૂચનો કરેલ છે. 

ર. ચૂંટણી પંચે સમિતિ દ્વારા કરવામાં આવેલ દરેક ભલામણ / સૂચનો પર વિચાર - વિમર્શ કરીને BLOS માટે ભવિષ્યમાં અનુપાલન અંગે નીચે મુજબની સુધારેલ વ્યાપક માર્ગદર્શિકા બહાર પાડેલ છે. 


( ૧ ) બુથ લેવલ અધિકારીઓ ( BLOs ) ની નિમણૂક : 

૧.૧ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ , ૧૯૫૦ ની કલમ -૧૩ બી ( ર ) હેઠળ મતદાર નોંધણી અધિકારી ( ERO ) દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી ( DEO ) ની મંજૂરી મેળવ્યા બાદ બુથ લેવલ અધિકારીઓ { BLOs ) ની નિમણૂક કરવામાં આવે છે. તેઓ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ ની કલમ -૧૩ સી સી હેઠળ ભારતના ચૂંટણી પંચમાં પ્રતિનિયુક્તિ ( ડેપ્યુટેશન ) પર હોવાનું ગણાશે . 

૧.ર સરકારી / અર્ધ - સરકારી કર્મચારીઓની કક્ષાઓમાંથી નીચે સૂચવેલ યાદીમાં જણાવેલ પૈકી બુથ લેવલ અધિકારીઓ ( BLOs ) ની નિમણૂક કરી શકાશે . 

BLOs તરીકે કોની કોની નિમણુક કરી શકાય?


નીચે મુજબના કર્મચારીની BLO તરીકે નિમણૂક કરી શકાશે
( ૧ ) શિક્ષકો
( 2 ) આંગણવાડી કાર્યકારો
( ૩ ) તલાટી
( ૪ ) પંચાયત સચિવ
( ૫ ) ગ્રામ્ય સ્તરના કામદારો
( ૬ ) વીજબીલ રીડર્સ
( ૭ ) પોસ્ટમેન ( ટપાલી )
( ૮ ) સહાયક નર્સ અને મીડ - વાઇફ
( ૯ ) આરોગ્ય કાર્યકરો
( ૧૦ ) મધ્યાહન ભોજન કાર્યકરો
( ૧૧ ) કરાર આધારિત ( contract ) શિક્ષકો
( ૧૨ ) કોર્પોરશન ટેકસ કલેકટ કરતા કામદારો ( નગરપાલિકાનો વેરો ઉઘરાવતા કર્મચારીઓ )
( ૧૩ ) શહેરી વિસ્તાર ( સત્તામંડળ ) ના કારકુની સ્ટાફ ( UDC / LDC વગેરે ) 

૧.૩ ઉપર્યુકત યાદી ઉપરાંત, નીચેના અધિકારી / કર્મચારી / વ્યક્તિઓની BLO તરીકે નિમણૂક / સૂચિત કરી શકાશે. 
( અ ) નિયત કરેલ / સૂચવેલ ૧૩ નિયત વિકલ્પોમાંથી કોઇ ઉપલબ્ધ ન હોય ત્યારે જ કેન્દ્ર સરકારના કર્મચારીઓને સૂચિત કરી શકાશે. 
( બ ) નિયત કરેલ / સૂચવેલ ૧૩ નિયત વિકલ્પોમાંથી કોઇ ઉપલબ્ધ ન હોય ત્યારે જ Group ‘ B ’ ના અધિકારીઓને સૂચિત કરી શકાશે. 
( ક ) મતદાન સ્થળની અંદર ફરજ બજાવવા સરકારી કર્મચારીઓ ઉપલબ્ધ ન હોય ત્યારે માત્ર ઇચ્છુક નિવૃત્ત સરકારી કર્મચારીની નિમણૂક કરી શકાશે . આમ છતાં , ગ્રામ્ય વિસ્તારના કિસ્સામાં જિલ્લા ચૂંટણી અધિકારીએ “ ના ઉપલબ્ધી ” નું પ્રમાણપત્ર ( non - availability certificate ) આપવાનું રહેશે. 
( ડ ) અન્ય કોઇ પણ ચોકકસ શ્રેણીના કિસ્સામાં જરુર જણાયે કેસ - ટુ - કેસના ધોરણે સંબંધિત રાજયના CEO ચૂંટણી પંચની પૂર્વ મંજુરી મેળવ્યા બાદ નિમણૂક કરી શકાશે. 

૧.૪ શકય હોય ત્યાં સુધી, બુથ લેવલ અધિકારી જે તે મતદાન મથકનો મતદાર હોય તેની બુથ લેવલ અધિકારી તરીકે નિમણૂક કરવાની રહેશે. આમ છતાં, શહેરી વિસ્તારમાં આવતા વિધાનસભા મતવિભાગોમાં જે તે CEO દ્વારા શકય જણાય તો જે તે કાર્યક્ષેત્રમાં કામ કરતાં મૂળ વિભાગ / સંસ્થાને સંલગ્ન હોય તે રીતે નિમણૂક કરવાની રહેશે.

૧.૫ BLO ની નિયુકતી પહેલા નીચેના મુદ્દાઓ પણ સુનિશ્ચિત કરવા જોઈશે : 

a. એવા પ્રયત્નો કરવા જોઈશે કે દરેક મતદાર યાદીના ભાગ દીઠ એક BLO ની નિમણૂંક થાય તે સુનિશ્ચિત કરવામાં આવે. આમ છતાં, માનવશક્તિની અછતના કિસ્સામાં, એક BLO ને મતદાર યાદીના વધુમાં વધુ બે ભાગનો હવાલો આપી શકાશે. 

b. જે ભાગમાં જેન્ડર રેશિયો અપ્રમાણસર હોય એટલે કે મહિલાઓ મતદાર તરીકે ઓછી નોંધાયેલ હોય તેવા ભાગમાં વધુને વધુ મહિલાઓ મતદારયાદીમાં નોંધણી કરાવે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા મહિલા કર્મચારીને બૂથ લેવલ ઓફિસર તરીકે નિમણૂક કરવી જોઈએ. કેન્ટોનમેન્ટ ( છાવણી ) વિસ્તારમાં વ્યવહારીક રીતે શક્ય હોય ત્યાં સુધી સંબંધિત છાવણી સત્તાધિકારીઓના કર્મચારી વર્ગના હોય તેને બુથ લેવલ ઓફિસરો તરીકે નિમણૂક કરવા જોઇશે. 

d. શિક્ષકોને બૂથ લેવલ ઓફિસર તરીકે ઓછામાં ઓછા સૂચિત કરવાના રહેશે. આમ છતાં, જ્યાં જરૂરી હોય ત્યાં, તેઓને રજાના દિવસો દરમિયાન અને બિન - શૈક્ષણિક કલાકો અને બિન - શૈક્ષણિક દિવસો દરમિયાન બૂથ લેવલ ઓફિસરની કામગીરી માટે સૂચિત કરવા જોઈશે, જેથી શૈક્ષણિક કાર્યને કોઈ અસર ન પહોંચે. જયાં શાળામાં એક જ શિક્ષક હોય તેવી શાળાના શિક્ષકને આ હેતુ માટે ફરજ સોંપવામાં આવે નહીં તેની ખાતરી કરવી જોઇશે. 

e. સુરક્ષા સેવાઓ, આવશ્યક સેવાઓ અને જાહેર ઉપયોગિતાઓ સાથે સંકળાયેલા અથવા વ્યાપાર / આવક અંગેની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કોઇપણ કર્મચારીને બૂથ લેવલ ઓફિસર તરીકે સૂચિત કરવાના રહેશે નહીં.

f. શારિરીક રીતે દિવ્યાંગ વ્યક્તિઓ ( દ્રષ્ટિક્ષતિ, દિવ્યાંગતા અને શ્રવણ અને વાણીની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ ), જ્યાં સુધી તેઓ આ કામગીરી કરવા ઈચ્છિત ન હોય ત્યાં સુધી BLO ની ફરજ માટે સૂચિત કરી શકાશે નહીં. કાર્યરત PwD કર્મચારીઓના કિસ્સામાં મુક્તિ આપતી વખતે, ERO એ આવી વ્યક્તિ ખરેખર દાવા પ્રમાણે દિવ્યાંગતા ધરાવે છે તે અંગે ખાતરી કરવી જોઇશે. 

g. અર્ધ - સરકારી કર્મચારીઓને BLO તરીકે કામગીરી સોંપતી વખતે ખૂબ કાળજી લેવી જોઈશે અને આવા કર્મચારીઓના એ બાબતે વિશ્વસનીયતાની સંપૂર્ણ ચકાસણી કરવી જોઈશે, કે તેઓ કોઈ રાજકીય જોડાણ ધરાવતા નથી. 

h. જ્યાં ચોક્કસ મતદાન મથકના પુરૂષો અને સ્ત્રીઓ માટે અલગ - અલગ મતદાન મથકો તૈયાર કરવામાં આવેલ હોય ત્યાં એક જ મતદાન વિસ્તારમાં આવેલા આ બે મતદાન મથકો માટે માત્ર એક BLO ની નિમણૂક કરવાની રહેશે. તેવી જ રીતે, મુખ્ય મતદાન મથક અને તેના સહાયક મતદાન મથક માટે માત્ર એક જ BLO ની નિમણૂક કરવાની રહેશે. 

i. મુશ્કેલ ભૌગોલિક વિસ્તારો માટે, વિભાગોના જૂથ માટે BLO ની નિમણૂક કરવાની રહે છે અને આવી નિમણૂક એવી રીતે કરવાની રહેશે કે જેથી તેઓને ફાળવવામાં આવેલ સમગ્ર વિસ્તારને આવરી લેવામાં આવે અને મતદાન મથકનો કોઈ પણ વિભાગ બાકી ન રહે. આમ છતાં, કોઈપણ ઓવર - લેપિંગ ( પુનરાવર્તન ) / ડુપ્લિકેશન ટાળવા માટે BLOs વચ્ચે અધિકારક્ષેત્રનું સ્પષ્ટ સીમાંકન કરવું જોઈશે. 

j. BLOs સોંપવામાં આવતી કામગીરીઓનું આયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી તેમના મૂળ વિભાગની કામગીરીને અસર ન કરે. 

( ૨ ) બુથ લેવલ અધિકારીઓની ફરજો અને જવાબદારીઓ : 

( ર .૧ ) મતદારયાદી તૈયાર કરવી અને તેની સુધારણામાં બૂથ લેવલ અધિકારીઓની મહત્વની ભૂમિકા રહેલ છે, જેમાં તેઓ તેમને સોંપવામાં આવેલ મતદારયાદીના ભાગનો સંપૂર્ણ અભ્યાસ કરશે અને તે ભાગના વિસ્તારોની વારંવાર ક્ષેત્રીય મુલાકાતો લેશે અને ત્યાંના સ્થાનિક લોકો સાથે અને ખાસ કરીને વયોવૃધ્ધ અને પાયાના સ્તરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે અને મતદારયાદીમાં અવસાન પામેલ / સ્થળાંતરિત / બેવડાયેલ ( ડુપ્લિકેટ ) મતદારો કે જેઓ મતદાર નોંધણી અધિકારી દ્વારા દૂર કરવા પાત્ર, તેમને શોધી કાઢશે. 

( ૨.૨ ) ERO ના એકંદર નિયંત્રણ અને દેખરેખ હેઠળ, બૂથ લેવલ અધિકારીઓની મૂળભૂત ફરજો નીચે મુજબ રહેશે : 

( a ) ERO / AERO વતી અરજદારો પાસેથી હકક - દાવાઓ અને વાંધાઓ મેળવવા. 
( b ) વાર્ષિક સંક્ષિપ્ત સુધારણા દરમિયાન ઘરે ઘરે મુલાકાત અને પુનરાવર્તન ( ઓવરલેપિંગ ) અન્યત્ર પુન : સ્થાપન, તબદીલી, બદલી / સ્થળાંતરની ચકાસણી. 
( c ) ECI ની કોઈપણ ખાસ ઝુંબેશ દરમિયાન ડેટા / ફોર્મ્સ / માહિતી એકત્રિત કરવા માટે ઘરે ઘરે મુલાકાત લેવી. 
( d ) સ્થાનાંતરિત / અવસાન પામેલ / હયાત ન હોય તેવા મતદારોની ઓળખ કરવી.
( e ) મતદાન મથકના પુનર્ગઠનના સમયે સોંપવામાં આવેલ ભાગના મતદાન મથકના સ્થળની ભૌતિક ચકાસણી કરવી અને GARUDA App પર કેન્દ્રના રેખાંશ અને અક્ષાંશ સહિત ફોટો અને સ્થળ અપલોડ કરવાની કામગીરી કરવી.
( f ) GARUDA એપ દ્વારા ફીઝીકલ ( ભૌતિક રીતે ) પ્રાપ્ત થયેલા તમામ ફોર્મનું ડિજીટાઈઝેશન કરવું.
( g ) 18-19 વર્ષ વચજૂથના યુવા મતદારો અને મહિલાઓની નોંધણી માટે મતદાન મથકના ડેટાનું વિશ્લેષણ કરી વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી તે અંગે જરૂરી સુધારાત્મક પગલાં લેવા. 
( h ) મતદારયાદીમાં રહેલા મતદારોની વિગતોમાં જોડણી, બહુવિધ / ડુપ્લિકેટ એન્ટ્રીઓ, ભાગનું મથાળું દર્શાવતું પાનું, ફોટા વગેરેની ચકાસણી કરવી. 
( i ) બાકી રહેલા મતદારોના ફોટા એકઠા કરવા. 
( j ) મતદારોના મોબાઈલ નંબર / ઈ - મેઇલ આઈડી એકત્રિત કરવા. 
( k ) મતદાર નોંધણી અધિકારીને અહેવાલો / ફોર્મ્સ રજૂ કરવા, જેથી કરીને જે વ્યક્તિઓના નામ કમી કરવાના હોય તેમને નોટિસ ઈસ્યુ કરી શકાય. 
( l ) નિયત સ્થળોએ મુસદા મતદારયાદી / નિર્ધારિત નોટીસો પ્રદર્શિત કરવી. 
( m) ગ્રામ / વોર્ડ સભાઓમાં મતદારયાદીનું વાંચન કરવું - નોંધણી માટે શહેરી વિસ્તારોમાં RWA ( Residents Welfare Association ) સાથે લાયઝનિંગ કરવું. 
(n) EPIC નું વિતરણ કરવું, ભારતીય પોસ્ટમાંથી વિતરણ કર્યા વિના પરત આવેલ કાર્ડ.
(o) મકાનોનું યોગ્ય ક્રમાંકન કરવું અને ભાગની અંદર આવતા ભાગોની યોગ્ય ગોઠવણી કરવી . 
(p) બૂથ લેવલ એજન્ટ્સ ( BLAs ) સાથે સંકલન કરવું. 
(q) મળેલા ફોર્મની વિગતો તૈયાર કરવી
( r ) ઓવરલેપિંગ ( પુનરાવર્તન ) ટાળવા માટે સામાન્ય ભૌગોલિક સીમાંકન સાથે નઝરી નકશા તૈયાર કરવા, ખાસ કરીને નવા વિકસિત વસાહતોના કિસ્સામાં. 
( s ) સતત સુધારણાના સમયગાળા દરમિયાન અવસાન પામેલ અને સ્થળાંતરિત મતદારોની ઓળખ કરવી. 
( t ) ચુનાવ પાઠશાળાને લગતી કામગીરી. 
( u ) ચૂંટણી અધિકારી દ્વારા તૈયાર કરવામાં આવેલા સમયપત્રક મુજબ ચૂંટણી સમયે ફોટો મતદાર કાપલીનું વિતરણ કરવું અને તેના રેકોર્ડની જાળવણી કરવી. 
( V ) ગેરહાજર મતદારોનું સમયાંતરે સર્વેક્ષણ કરવું અને તેમના દ્વારા ફોર્મ 12 - D નું વિતરણ / પરત મેળવણું સુનિશ્ચિત કરવું. 
( w ) મતદાનના દિવસે વરિષ્ઠ નાગરિકો અને PwD મતદારોને લાવવા અને મૂકવાની સુવિધા પૂરી પાડવાની બાબત સુનિશ્ચિત કરવી. 
( x ) મતદાન મથક પર હેલ્પ ડેસ્ક માટે માણસો ગોઠવવા અને મતદાનના દિવસે કકકાવારી મતદાર યાદીની જાળવણી કરવી. 
( y ) ERO દ્વારા સોંપવામાં આવેલ સંબંધિત મતદાન મથકની મતદારયાદીને લગતું અને મતવિભાગના ચૂંટણી અધિકારી દ્વારા સોંપવામાં આવેલ મતદાન સંબંધિત અન્ય કોઈપણ કાર્ય કરવું. 

( ૩ ) બૂથ લેવલ ઓફિસરની કીટ અને BLO રજીસ્ટર બાબત : 

( ૩.૧ ) ભારતના ચૂંટણી પંચના લોગો વાળી કિટ બેગ દરેક બૂથ લેવલ ઓફિસરને પૂરી પાડવી. 

BLO કિટમાં નીચેની વસ્તુઓ સામેલ કરવાની રહેશે :

a ) કિટ બેગ , ઇકો ફ્રેન્ડલી સામગ્રીથી બનેલી કીટને પ્રાધાન્ય આપવું.
b ) ECI લોગો અને તેના પર "BLO" લખેલી ટોપી, 
c ) BLO નું રજીસ્ટર 
d ) BLO નું ઓળખ પત્ર 
e ) બૂથ લેવલ ઓફિસર માટે હેન્ડબુકની નકલ 
f ) CEO / DEO વેબસાઈટની લિંક ધરાવતી પુસ્તિકા , તમામ તાલીમ મોડ્યુલ અને BLO મેગેઝિનના PPT ની લિંક. 
g ) પર્યાપ્ત કાગળો સાથેનું લખાણ ( રાઇટિંગ ) પેડ 
h ) ખાલી રજીસ્ટર 
i ) પેન, પેન્સિલ, રબર, ફુટપટી વગેરે.
j ) પૂરતી સંખ્યામાં ફોર્મ 6, 6B, 7 અને 8.
k) મતદારયાદીના દરેક વાર્ષિક સંક્ષિપ્ત સુધારણા પહેલા, બૂથ લેવલ ઓફિસરને સંબંધિત મતદાન મથકનો આધારભૂત મતદાર યાદીનો ડેટા અને ફોર્મેટ 1-8નું વિશ્લેષણ પૂરું પાડવાનું રહેશે. 

( ૩.૨ ) બૂથ લેવલ ઓફિસરનું રજીસ્ટર :
 બૂથ લેવલ ઓફિસર BLO રજિસ્ટરમાં તેમના દ્વારા કરવામાં આવેલા ડોર ટુ ડોર ( ઘેર - ઘેર ) સર્વેનો રેકોર્ડ રાખશે, જે હવે 9 પત્રકમાં પ્રમાણિત અને સરળ કરવામાં આવેલ છે, જે આ સાથે પરિશિષ્ટ- II માં જોડેલ છે. BLO રજીસ્ટર ગરુડા એપ પર ECI - IT વિભાગ દ્વારા ડીજીટાઈઝડ કરવામાં આવી રહયા છે. ગરુડા એપ પરના BLO ના રજીસ્ટરમાં સંબંધિત મતદાન મથકોની આધારભૂત મતદારયાદી અને ERMS ડેટાબેઝનો ઉપયોગ કરીને પહેલાથી ભરેલા ફોર્મેટ 1-8 પણ હશે. 

( ૪ ) તાલીમ : 
તમામ બૂથ લેવલ ઓફિસરોને સમયાંતરે વ્યાપક અને અર્થસભર રીતે તાલીમ આપવી જોઈશે. દરેક નવ નિયુક્ત બૂથ લેવલ ઓફિસરે હંમેશા ઇન્ડક્શન તાલીમ લેવી જોઈશે. દરેક સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ પહેલાં, દરેક બૂથ લેવલ ઓફિસરને તેની ભૂમિકા અને જવાબદારીઓ વિશે જાણકારી મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે જરૂરિયાતના આધારે રિફ્રેશર તાલીમ કાર્યક્રમ ગોઠવવો જોઈશે. BLOS માટે અદ્યતન હેન્ડબુક, જ્યારે તે તૈયાર થાય ત્યારે, તે પ્રિન્ટ કરવા અને BLOs ને વિતરણ કરવા માટે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોના CEO ને મોકલવામાં આવશે. 

( ૫ ) દેખરેખ અને મૂલ્યાંકન : 
બૂથ લેવલ ઓફિસર્સની કામગીરીનું મૂલ્યાંકન સુપરવાઈઝર દ્વારા દેખરેખ અને નિયંત્રણના સુ - વ્યાખ્યાયિત સ્તરો દ્વારા કરવામાં આવશે. મુખ્ય નિર્વાચન અધિકારીએ મતદાર નોંધણી અધિકારીઓને બૂથ લેવલ ઓફિસર્સની અંગત વિગતો અને મોબાઈલ નંબર અપડેટ કરવા, મતદાન મથકના વિસ્તારોનું યોગ્ય સીમાંકન અને બૂથ લેવલ ઓફિસર્સના તેમના સંબંધિત મતદાન વિસ્તારો સાથે સહ - સંબંધ અને નિયંત્રણ કોષ્ટકોમાં મતદાન મથકના નંબર અપડેટ કરવા સૂચના આપશે. બૂથ લેવલ ઓફિસરોને તેઓની જવાબદારી અને તેમની ફરજ મતદારયાદીની નિષ્ઠા માટે નિર્ણાયક છે અને તેમની કામગીરીનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવશે તે સ્પષ્ટ શબ્દોમાં જણાવવાનું રહેશે. 

( ૬ ) એક કર્મચારી પાસેથી BLO નું કામ લઇ અને તેની સાથે સાથે બીજા કર્મચારીને સોંપવાની કાર્યવાહીને સજા / સજાના ભાગ તરીકે ત્યાં સુધી ગણવામાં આવશે નહીં. જ્યાં સુધી કામ પરત લેવાના ચોકકસ કારણને ધ્યાને લઇને તેને દંડાત્મક પગલાં તરીકે ગણવાનું ERO / DEO એ નોંધેલ હોય. 

( ૭ ) આ સૂચના જ્યાં સુધી સુધારવામાં અને રદ કરવામાં ન આવે અથવા સંશોધિત કરવામાં કે નોંધેલ હોય બદલવામાં ન આવે ત્યાં સુધી સ્થાયી રહેશે. 

ભારતના ચૂંટણી પંચની ઉપર્યુકત સૂચનાઓ આપના જિલ્લા સ્થિત તમામ EROS / AEROS ને તાકિદે પાઠવવા તથા તદનુસાર જરૂરી કાર્યવાહી હાથ ધરવા જણાવવા વિનંતી છે. પ્રસ્તુત બાબતે અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થયેથી ભારતનાં ચૂંટણી પંચની આ સાથે સામેલ પત્રની મૂળ અંગ્રેજી સૂચનાઓ આખરી ગણાશે, જે વિદીત થાય.


Previous Post Next Post

TEACHERS